રાજ્યમાં સૌથી વધારે સ્ટેપ એડોપ્શનના કુલ ૪૮ આદેશ પ્રાપ્ત કરનાર સુરત જિલ્લો પ્રથમ સુરત: સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તેજસ પરમારના હસ્તે એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ને આધારે એક સાથે સુરતના ૫ પરિવારોને દત્તક આદેશ પ્રાપ્ત થયો હતો. જેમાં ૮ થી ૧૭ વર્ષની વયની ૩ દિકરી અને ચાર દિકરાઓને દત્તક અપાયા છે. તમામ પરિવારોને સાવકા માતાપિતા(step Adoption)ના આદેશ આપતા કલેક્ટરશ્રીએ શુભેચ્છા પાઠવી હતી. વધુમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહી વિષે વધુ વિગત આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજય પરમારે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)ના ઓનલાઈન પોર્ટલ મિશન વાત્સલ્ય ઉપર દત્તક ઇચ્છુક દંપતિઓએ સાવકા માતાપિતા(step adoption) માટે અરજી કરી હતી. જેની કાયદાકીય પ્રક્રિયા પૂરી થતાં આ પાંચેય પરિવારો ખરા અર્થમાં પૂર્ણ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સ્ટેપ એડોપ્શનના આદેશ પ્રાપ્ત કરનાર સુરત જિલ્લો પ્રથમ છે. જેમાં સ્ટેપ એડોપ્શનના કુલ ૪૮ અને સંબંધિ દ્વારા બાળકને દત્તક લેવાના કુલ ૧૧ આદેશ પ્રાપ્ત થયા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી શ્રીચિરાગ રામાવત દ્વારા સમગ્ર પ્રક્રિયા એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી. સાવકા માતા કે પિતા દ્વારા બાળકને દત્તક લેવું (Stepparent Adoption) એટલે શું? કોઈ વ્યક્તિ દ્વારા પોતાના જીવનસાથીના અગાઉના લગ્ન અથવા સંબંધથી જન્મેલા બાળકને કાયદેસર રીતે દત્તક લેવાની પ્રક્રિયાને સાવકા માતા કે પિતા દ્વારા દત્તક લીધેલું કહી શકાય. આ પ્રક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે સાવકા માતા કે પિતાને એ બાળક પર તમામ કાયદાકીય અધિકારો અને જવાબદારીઓ મળી જાય છે. જે એક જૈવિક (biological) માતા-પિતા પાસે હોય છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ(JJ Act) અને CARA(Central Adoption Resource Authority) ના નિયમો અનુસાર તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે: કાયદાકીય જોગવાઈ JJ Act, 2015 ની કલમ ૫૬(૨) હેઠળ સાવકા માતા કે પિતાને બાળક દત્તક લેવાની કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. Adoption Regulations (દત્તક નિયમો) અનુસાર આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવી છે, જેથી બાળકને પોતાના જ પરિવારમાં સુરક્ષિત વાતાવરણ મળી રહે. મુખ્ય શરતો: ૧. જીવનસાથીની સંમતિ: બાળકના જે જૈવિક માતા કે પિતા અત્યારે સાથે રહે છે, તેમની લેખિત સંમતિ ફરજિયાત છે. ૨. જૈવિક માતા/પિતાની સંમતિ અથવા સ્થિતિ: જો બાળકના બીજા જૈવિક માતા/પિતા જીવિત હોય, તો સામાન્ય રીતે તેમની પણ સંમતિ જરૂરી બને છે.અને જો તેઓ હયાત ન હોય (અવસાન થયું હોય), તો તેમનું મરણ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. તેમજ જો તેઓ બાળકને છોડીને ચાલ્યા ગયા હોય અથવા કોઈ સંપર્ક ન હોય, તો તે અંગેની કાયદાકીય વિગતો આપવી પડે છે. ૩.બાળકની સંમતિ: જો બાળકની ઉંમર ૫ વર્ષ કે તેથી વધુ હોય, તો દત્તક વિધાનની પ્રક્રિયામાં બાળકની પોતાની સંમતિ (તેની ઈચ્છા) પણ ધ્યાને લેવામાં આવે છે. પ્રક્રિયા અને ઓનલાઈન રજીસ્ટ્રેશન સાવકા માતા કે પિતા દ્વારા દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયા ના પોર્ટલ (સહુ કન્વર્ટેડ પ્લેટફોર્મ/નવીનતમ ગાઈડલાઈન મુજબ) પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને શરૂ થાય છે. જરૂરી દસ્તાવેજો (લગ્ન પ્રમાણપત્ર, બાળ કલ્યાણ સમિતિની મજૂરી, ડિવોર્સ ડીગ્રી, રહેઠાણનો પુરાવો, બાળકની મંજૂરી, વગેરે) અપલોડ કર્યા બાદ, જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU) ની દેખરેખ હેઠળ આગળની કાયદાકીય કાર્યવાહી (જેમ કે હોમ સ્ટડી રિપોર્ટ વગેરેની જો જરૂર હોય તો) અને સક્ષમ સત્તાધિકારી (District Magistrate – DM)ના આદેશ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા રીજનલ ઑફિસ રાજકોટ દ્વારા હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે ભવ્ય “રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું