નવસારી બાગાયતની નવી યોજનાઓ અંગે ઓનલાઈન અરજી શરૂ
બાગાયત ખાતાની નવી ૩ યોજનાઓ અને મહિલા તાલીમાર્થી સ્ટાઈપેન્ડ યોજના અંગે જાહેરાત
નવસારી : નવસારી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા દ્વારા મંજૂર થયેલ નવી ત્રણ યોજનાઓ તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેન્ડ) આપવાની યોજનાનો લાભ મેળવવા માટે તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતો પોતાના મોબાઈલ ફોન દ્વારા જાતે, ગામના ઈ-ગ્રામ સેન્ટર અથવા ખાનગી ઈન્ટરનેટ સુવિધા મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયત ખાતાની નવી યોજનાઓમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક પાકો (આદુ, હળદર)ને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમનો સમાવેશ થાય છે.
તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેન્ડ) આપવાની યોજના અંતર્ગત ફળ અને શાકભાજીમાંથી બનતી જામ, જેલી, અથાણા, મુરબ્બો, સીરપ, ટુટી ફુટી તથા કેન્ડી જેવી બનાવટોની તાલીમ આપવામાં આવશે. આ માટે તા.૨૦/૦૫/૨૦૨૬ થી ૨૦ દિવસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે તેમ નાયબ બાગાયત નિયામક, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે.






