જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાની દ્વારા કેમ્પની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા, અધિકારીઓને અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શન
ઉન કેમ્પમાં ઉન, ખડસુપા, કછોલ અને અડદા ગામના આદિજાતિ પરિવારોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામ નજીક જ ઉપલબ્ધ કરાશે
નવસારી : ભારત સરકારના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ઉન ગામની પ્રાથમિક શાળા ખાતેથી “જનભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાનના પ્રસંગે નવસારી જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાનીએ ઉન ગામ ખાતે આયોજિત કેમ્પની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કેમ્પમાં હાજર
અધિકારીઓ સાથે યોજનાઓના અસરકારક અમલીકરણ, વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચ, જનજાગૃતિ, અવેરનેસ અને સેચ્યુરેશન અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રી મનીષ ગુરવાની એ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને આદિવાસી પરિવારોને વિવિધ સેવાઓ માટે દૂર સુધી જવું ન પડે તે માટે આ અભિયાન અત્યંત મહત્વપૂર્ણ છે.
નવસારી તાલુકાના ઉન ગામ ખાતે આયોજિત કેમ્પમાં ઉન, ખડસુપા, કછોલ અને અડદા ગામના આદિજાતિ પરિવારોને લાભ મેળવા પાત્ર થશે અને તા. ૧૮ મેથી તા. ૨૫ મે ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ અભિયાન દ્વારા જિલ્લાનાં સમાવિષ્ટ ગામોના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પોતાના ગામ તેમજ નજીકના કેન્દ્રો પર સરળતાથી મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ જનભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે” કેમ્પો જિલ્લાનાં દરેક તાલુકામાં નક્કી કરાયેલા ગામોમાં યોજાશે, જ્યાં આસપાસના ગામોના ગ્રામજનો પણ હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે. કેમ્પ દરમિયાન આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ડોમીસાઈલ સર્ટિફિકેટ, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન, પીએમ ઉજ્જવલા યોજના, આવાસ યોજના, શૌચાલય યોજના, મનરેગા જોબકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, પીએમ માતૃવંદના યોજના, મિશન ઈન્દ્રધનુષ, ટી.બી.મુક્ત ભારત અભિયાન, સિકલ સેલ નાબૂદી, પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન, જનધન યોજના, મુદ્રા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના તેમજ નવા આવાસોમાં ૧૦૦ ટકા વીજળીકરણ અને પીએમ સુર્યા યોજના સહિતની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત વધુમાં વધુ આદિવાસી પરિવારોને સરકારી યોજનાઓ સાથે જોડવા માટે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.






