• દીકરીની કોલેજ ફી, ઘરખર્ચ અને પરિવારની શાંતિ માટે વ્યસની પતિનું કાયદેસર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
  • સમજણ અને માર્ગદર્શન બાદ પતિએ વ્યસન છોડવા, ઘરખર્ચમાં સહયોગ આપવા અને પરિવારને ત્રાસ ન આપવાની ખાતરી આપી.
  • મુશ્કેલીની ઘડીએ મહિલાઓ માટે સંવેદનશીલ સહારો બની રહ્યું છે વલસાડ અભયમ ૧૮૧ હેલ્પલાઈન

વલસાડ :  વલસાડ જિલ્લાના નજીકના ગામમાંથી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર પીડિત મહિલા તથા તેમની દીકરીનો કોલ આવ્યો હતો, જેમાં પતિ દ્વારા સતત શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવાયું હતું. માહિતી મળતાં જ અભયમ વલસાડની ૧૮૧ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પતિનો સંપર્ક કરી બોલાવી બંને પક્ષો સાથે કાયદેસર રીતે કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, પીડિતા ઘર નિર્માણ માટે લીધેલી લોનના હપ્તા મજૂરી કરીને ચૂકવતી હતી, પરંતુ કોઈક કારણસર બેંક દ્વારા હપ્તા બાકી રહેતા બેંકની ટીમ દ્વારા ઘરની મુલાકાત લેવાથી ઘરેલુ તણાવ સર્જાયો હતો. પતિ વ્યસની હોવાથી પીડિતાને વારંવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતો હતો. દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હોવા છતાં તેના શિક્ષણ ખર્ચ અને ફી માટે સહયોગ આપતો ન હતો તેમજ અપશબ્દો બોલતો હતો. ઘરખર્ચ અને ભોજન બાબતે પણ ભેદભાવ રાખવામાં આવતો હતો અને પરિવારના ૧૪ વર્ષના પુત્રના દુર્ભાગ્યપૂર્ણ અવસાન અંગે પીડિતાને અન્યાયપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવામાં આવતી હતી, જેના કારણે પરિવારિક સંબંધોમાં ગંભીર તણાવ સર્જાયો હતો.

અભયમ ૧૮૧ ટીમ દ્વારા પતિને કાયદાકીય રીતે સમજાવવામાં આવ્યું કે, શારીરિક મારઝૂડ તથા માનસિક ત્રાસ આપવો ભારતીય કાયદા મુજબ દંડનીય ગુનો છે તેમજ પત્ની અને સંતાનોના ભરણપોષણ, સુરક્ષા અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પિતાની કાયદેસર ફરજ છે. પરિવારિક વિવાદોમાં હિંસા નહીં પરંતુ કાયદેસર માર્ગ અપનાવવો જરૂરી છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગના અંતે બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું અને પતિએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મારઝૂડ કે માનસિક ત્રાસ ન આપવાની ખાતરી આપી સાથે જ ઘરખર્ચમાં સહયોગ આપવા, દીકરીની કોલેજ ફી ભરવા, ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા તથા વ્યસન છોડવા માટે પૂરતા પ્રયત્ન કરવાની સંમતિ આપી હતી. લોનની બાકી રકમ પીડિતા પોતાની આર્થિક સ્થિતિ મુજબ ચૂકવશે તેવી સમજણ થઈ હતી. અંતે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન વલસાડ ટીમની સમયસર કાર્યવાહી અને અસરકારક કાઉન્સેલિંગના કારણે પરિવારિક વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવ્યો હતો.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading