• હજીરાના એલ એન્ડ ટીના પ્લાન્ટની મુલાકાત અને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશેઃરૂ.૧૮ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

સુરત : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૫મી જૂનના સુરત કાર્યક્રમના આયોજન અને આગોતરી તૈયારીઓ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર તથા અન્ય જરૂરી પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી તથા કેન્દ્રીય મંત્રીશ્રીએ તંત્રને જરૂરી માર્ગદર્શન આપીને વિવિધ વ્યવસ્થાઓ પ્રોટોકોલ મુજબ સમયસર પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.તેમજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે, આગામી તા.૫મી જૂનના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનનો કાર્યક્રમ બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાનશ્રી હજીરા ખાતે આવેલ એલ. એન્ડ ટીના પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ બીજા તબક્કામાં સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાનશ્રી સંબોધન કરશે. આ અવસરે અંદાજિત રૂ.૧૮ હજાર કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, પૂર્ણેશભાઈ મોદી, સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલોત, મહાનગરપાલિકા કમિશનર શ્રી એમ. નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વહીવટી તંત્રની ટીમ, પોલીસ વિભાગના અધિકારીઓ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

You missed

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading