• અંબિકા તાલુકાના વહેવલ ગામના દિવ્યાંગ આદિવાસી યુવક દિવ્યેશ પટેલે શારીરિક મર્યાદાઓને આત્મવિશ્વાસ સાથે માત આપી
  • માતા ગીતાબેનની મદદથી રોજની ૧૫૦ જેટલી ખાખરાના પાનની પરંપરાગત પતરાળી બનાવે છે: પરિવારને આપ્યો આર્થિક આધાર
  • પ્લાસ્ટિકનો વિકલ્પ અને પર્યાવરણનું રક્ષણ કરતા ઈકોફ્રેન્ડલી ‘બાજ’ આજે વહેવલ ગામ સહિત આસપાસના આદિવાસી પરિવારો માટે બની આજીવિકાનું મુખ્ય સાધન:

સુરતઃ  આધુનિક જીવનશૈલી અને પ્લાસ્ટિકના વધતા ઉપયોગ વચ્ચે આજે અનેક પરંપરાગત કળાઓ ધીરે-ધીરે ભૂલાતી જઈ રહી છે. એક સમય હતો જ્યારે લગ્ન, મરણપ્રસંગ કે સામૂહિક જમણવારમાં પતરાળી(બાજ) વિના આયોજન અધૂરું માનાતું હતું, પરંતુ આજે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ પ્લેટોએ તેનું સ્થાન લઈ લીધું છે. પરિણામે માત્ર પર્યાવરણને નુકસાન જ નથી થતું, પરંતુ પેઢીઓથી આ કામ સાથે જોડાયેલા નાના કારીગરોની રોજી-રોટી પણ જોખમમાં આવી છે. આવી સ્થિતિમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામના આદિવાસી દિવ્યાંગ યુવાન દિવ્યેશભાઈ રમેશભાઇ પટેલ સ્વબળે પતરાળી (બાજ)ના વ્યવસાય ઉભો કરી મહેનત અને સંઘર્ષ વડે પરિવારને આર્થિક સહારો આપી રહ્યા છે, એટલું જ નહીં, મૃત:પ્રાય થતી ઈકોફ્રેન્ડલી પતરાળી બનાવવાની પરંપરાને જીવંત રાખવાનું પણ કામ કરી રહ્યા છે.
સુરત જિલ્લાનો અંબિકા તાલુકો આદિવાસી બહુલ છે. અહીં આવેલા જંગલોમાં ખાખરા એટલે કે પલાશના અસંખ્ય વૃક્ષો છે. વર્ષોથી અહીંના લોકો ખાખરાના પાનમાંથી પતરાળી બનાવવાનું કામ કરતા આવ્યા છે. સ્થાનિક ભાષામાં આ પતરાળીને ‘બાજ’ કહેવામાં આવે છે.
વહેવલ ગામના દિવ્યેશભાઈ પટેલ જન્મથી દિવ્યાંગ છે, અને ચાલી શકતા નથી. પોતાની દૈનિક ક્રિયાઓ માટે પણ તેઓ પરિવાર પર નિર્ભર છે. તેમના માતા-પિતા છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ થોડા સમય પહેલાં પિતાના અવસાન બાદ પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો. ઘરમાં મુશ્કેલીઓ વધતી જતી હતી, પરંતુ દિવ્યેશે હિંમત હારી નહીં. બાળપણથી આવડતી પતરાળી બનાવવાની કળાને જીવનનો આધાર બનાવવાનો નિર્ણય કર્યો અને આજે માતા ગીતાબેનની મદદથી રોજની ૧૦૦થી ૧૫૦ પતરાળી તૈયાર કરી પરિવારને મદદરૂપ બની આત્મનિર્ભર બન્યા છે.

પરિવાર જ મારી શક્તિ: પર્યાવરણ બચાવવા લોકો ફરી પતરાળી અપનાવે એ મારી ઈચ્છા: દિવ્યાંગ દિવ્યેશ પટેલ
દિવ્યેશભાઈ પોતાની જીવનયાત્રા વર્ણવતા જણાવે છે કે, “હું ચાલી શકતો નથી એટલે ઘણા કામો માટે પરિવાર પર આધાર રાખવો પડે છે. પિતાના અવસાન પછી ઘરની પરિસ્થિતિ જોઈ મને લાગ્યું કે, પરિવાર માટે હું પણ કંઈક કરું. બાળપણથી જ પતરાળી બનાવતાં આવડતું હતું એટલે એ જ કામ શરૂ કર્યું. આજે હું રોજ ૧૦૦ થી ૧૫૦ બાજ બનાવું છું. મારી ઈચ્છા છે કે લોકો ફરીથી પતરાળીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણ પણ બચે અને અમારા જેવા પરિવારોને રોજગાર પણ મળે. વહેવલ, ઉમરા, વલવાડા, ભોરીયા, સાંબા, ધામખડી, માછીસાદડા, મહુવરીયા, બુટવાડા અને પુના જેવા ગામોમાં આજે પણ શુભ-અશુભ પ્રસંગોમાં પતરાળીનું ચલણ જોવા મળે છે. એક તરફ પ્લાસ્ટિકની એક પ્લેટ માટે પાંચ રૂપિયા સુધી ખર્ચવા પડે છે, જ્યારે ૧૦૦ પતરાળીની કિંમત માત્ર ૧૫૦ રૂપિયા જેટલી પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉપયોગ બાદ આ પતરાળી જમીનમાં ભળી ખાતરમાં ફેરવાઈ જાય છે અને પ્રદૂષણ ફેલાવતી નથી.

પતિના અવસાન બાદ દીકરાએ હિંમત ન હારી: મને પણ મજબૂત કરી: માતા ગીતાબેન
દિવ્યેશભાઈના માતા ગીતાબેન ભૂતકાળના સંઘર્ષને યાદ કરતાં જણાવે છે કે, પતિના અવસાન પછી ઘરનું ગાડું કેવી રીતે ચાલશે તેની મને રાત-દિવસ ચિંતા સતાવતી હતી. દિવ્યેશ શારીરિક રીતે અસમર્થ હોવાથી એક માતા તરીકે મારું દુઃખ બમણું થઈ જતું, પરંતુ દીકરાના અડગ મનોબળે મને પણ મજબૂત કરી. આજે અમારી દિનચર્યા એવી છે કે, હું સવારે વહેલા ઉઠી જંગલમાંથી ખાખરાના પાન એકત્ર કરી લાવું છું અને દિવ્યેશ આખો દિવસ તેમાંથી ‘બાજ’ (પતરાળી) તૈયાર કરે છે. તેની મહેનત અમને વધુમાં વધુ કામ કરવા પ્રેરે છે, દિવ્યાંગતા છતાં તે પરિવારનો મજબૂત સહારો બનીને ઊભો રહ્યો છે.

ગામના અગ્રણીઓ અને શિક્ષકોનો સરાહનીય સહયોગ:
અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ હોવાના કારણે અહીં તૈયાર થતી પતરાળીઓનું વેચાણ કરવું એ દિવ્યેશભાઈ માટે એક મોટો પડકાર હતો. મુશ્કેલીના આ સમયે ગામના અગ્રણી કલ્પેશભાઈ પટેલ અને શિક્ષક યોગેશભાઈ પટેલ દિવ્યેશભાઈની વહારે આવ્યા. તેઓ મહુવા અને ઉનાઈ સહિતના આસપાસના વિસ્તારોમાં પતરાળી પહોંચાડવામાં તથા તેના વેચાણમાં મદદરૂપ બને છે. આ સાથે તેઓ સ્થાનિક લોકોને પ્લાસ્ટિકનો ત્યાગ કરી પર્યાવરણને અનુકૂળ એવી ઈકો-ફ્રેન્ડલી પતરાળી વાપરવા માટે જાગૃત પણ કરી રહ્યા છે.
દિવ્યેશભાઈના કાર્યોથી પ્રભાવિત થઈને શિક્ષક યોગેશભાઈ પટેલ જણાવે છે કે, પતરાળી આપણી પ્રાચીન જીવનશૈલીમાં વણાયેલી હતી. પર્યાવરણનું રક્ષણ અને ગ્રામીણ રોજગાર બંને સાથે જોડાયેલી છે. જો સમાજમાં પતરાળીના વપરાશ વધારવા જાગૃતિ આવે, તો દિવ્યેશભાઈ જેવા અનેક પરિવારોને આત્મનિર્ભરતા તરફ દોરાશે અને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થશે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading