Screenshot

*પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ પર ભાર; નિષ્ણાતો દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગને જળ સમસ્યાના ઉત્તમ ઉપાય તરીકે દર્શાવાયો
સુરત: ધ ઈન્સ્ટીટ્યુશન ઓફ એન્જિનિયર્સ (ઈન્ડિયા) સાઉથ ગુજરાત લોકલ સેન્ટર દ્વારા ૧૦ જૂન ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ઈચ્છાનાથ, સુરત સ્થિત મહીડાભવન ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અને ‘વિશ્વ જળ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ડૉ. રુચી શ્રીવાસ્તવ, એસ.વી.એન.આઈ.ટી. (SVNIT) ના સિવિલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. એસ.એમ. યાદવ, ક્રિભકો હજીરાના જે.જી.એમ. શ્રી અશોક બોડવાલ, આઈ.ઈ.(આઈ) એસ.જી.એલ.સી. ના ચેરમેન ડૉ. કે. ડી. પંચાલ અને કોઓર્ડીનેટર શ્રી દિનાનાથ અકેલા સહિત વિવિધ પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, ઉદ્યોગ નેતાઓ, ઈજનેરો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના અધ્યક્ષ અને વિશ્વકર્મા કનેક્ટના સ્થાપક ડૉ. કેતન ડી. પંચાલે પોતાના પ્રવચનમાં સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. “World Environment Day” અને “World Water Day” ના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જળ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે ઈજનેરોમાં પર્યાવરણીય જાગૃતિ, ટકાઉ પ્રથાઓનું પ્રોત્સાહન અને યોગ્ય જળવ્યવસ્થાપન અત્યંત મહત્વનું છે. કોઓર્ડિનેટર શ્રી દિનાનાથ અકેલાએ સમગ્ર પ્રોગ્રામની રૂપરેખા આપી હતી.
પર્યાવરણ બચાવવા અંગે માર્ગદર્શન આપતા ડૉ. રુચી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પર્યાવરણના રક્ષણ માટે નાના જંગલો બનાવવા જોઈએ અને મહિનામાં એક વાર ‘ગ્રીન વીક’ નું આયોજન કરવું જોઈએ. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાની અપીલ કરી હતી અને શાળા, કોલેજો, સરકારી કચેરીઓ તથા સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવા પર ભાર મૂક્યો હતો.
એસ.વી.એન.આઈ.ટી. ના પ્રોફેસર ડૉ. એસ.એમ. યાદવે “World Water” વિષય પર બોલતા ‘Rain Water Harvesting’ (વરસાદી પાણીના સંગ્રહ) નું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ એ પાણી બચાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે ઉત્તમ ઉપાય છે. તેનાથી પાણીની અછત દૂર થાય છે, વીજળીની બચત થાય છે, જમીનની ગુણવત્તા સુધરે છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પાણી સંગ્રહિત કરી શકાય છે.
કાર્યક્રમના અંતમાં, આઈ.ઈ.(આઈ.) એસ.જી.એલ.સી. સુરતના નવા મેમ્બરોને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને ભૂતપૂર્વ માનદ સચિવ શ્રી સંદીપ ડાંગીએ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading