• નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ૩૧ ફૂટ ઊંચી, ૯ ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ
  • સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા-દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે: નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ડાયમંડ સિટી, સિલ્ક સિટી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવો સુવર્ણ ઇતિહાસ આલેખતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

સુરતના વાલક પાટિયા, મણીબેન ચોક ખાતે નિર્માણ પામેલા ભવ્ય ‘જમનાબા વિદ્યાર્થી ભવન’માં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે નિવાસ-અભ્યાસ, AI રિસર્ચ લેબ, અદ્યતન લાઈબ્રેરીની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ૩૧ ફૂટ ઊંચી, ૯ ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કરી હતી.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ બાબરીયા (એકલેરા) તથા અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે રિબિન કાપીને ભવનને વિધિવત લોકાર્પિત કરાયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પવિત્ર અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ય અને સમર્પણ લાખો ગણું ફળ આપે છે, ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કાર્યો થકી ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું પરમ કાર્ય કર્યું છે. આ સંસ્થા પટેલ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, તો વિકાસ કેટલી ગતિ (સ્પીડ) અને વ્યાપ (સ્કેલ) સાથે સાકાર થઈ શકે છે.

પાટીદાર સમાજના ત્યાગ અને દાનની સરવાણીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સમાજ હંમેશાં અન્યોને આપવા માટે ટેવાયેલો છે. આર્થિક સંકડામણના દિવસોમાં પણ ઘરપરિવારની ચિંતા કર્યા વગર આંગણે આવેલા જરૂરિયાતમંદને અચૂક મદદ કરવાની પરંપરા આ સમાજે જાળવી રાખી છે. પથ્થરને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઉદ્યોગ-ધંધા, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત આજે વિશ્વભરમાં જે ‘ડાયમંડ સિટી’ તરીકે ખ્યાતિ પામ્યું છે, તેમાં પાટીદાર સાહસિકોનો મોટો પુરુષાર્થ જોડાયેલો છે. ડાયમંડ ઉપરાંત ટેક્સ્ટાઇલ, એમ્બ્રોઈડરી અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે પણ આ સમાજે કઠોર પરિશ્રમ થકી સુરતને વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સમાજની વિશેષત: સરાહના કરતા ઉમેર્યું કે, જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે તેણે હંમેશાં પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી છે. સુરતમાં રહીને ઉદ્યોગ જગતમાં કાઠું કાઢવા છતાં આ સમાજે વડાપ્રધાનશ્રીના ‘વિકાસથી વિરાસત’ના મંત્રને આત્મસાત કરી પોતાના વતનની, ગામડાની ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાને અકબંધ રાખી છે, વતનના વિકાસને પણ પ્રાથમિકતા આપી છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ૪૪ વર્ષની ગૌરવશાળી સામાજિક યાત્રાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૬૭ જેટલા સમૂહ લગ્નો યોજીને સામાજિક ક્રાંતિની નવી દિશા કંડારવામાં આવી છે. સાથે જ, લોકોને શ્રેષ્ઠ વિચારો તરફ વાળવા માટે છેલ્લા ૧૪૦ અઠવાડિયાથી સતત ચાલતો ‘વિચારોનું વાવેતર’ કાર્યક્રમ પ્રશંસનીય છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત’ના નિર્માણની નેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સુરતવાસીઓ અને સમાજના અગ્રણીઓને ખાસ અપીલ કરી હતી કે, વડાપ્રધાનશ્રીએ દેશહિતમાં સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે જે આહ્વાન કર્યું છે, તેને આપણે સૌ રોજિંદા જીવનની ટેવ બનાવીએ. પેટ્રોલની બચત, સોનાની વિવેકપૂર્ણ ખરીદી, પાણી અને વીજળીની બચત કરવી – આ તમામ બાબતો લાંબા ગાળે આપણા પોતાના અને દેશના હિતમાં છે. મુખ્યમંત્રીશ્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુરતની જનતા અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વડાપ્રધાનશ્રીની આ અપીલને પૂરતું સમર્થન આપી રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાને વેગ આપશે.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જમનાબા ભવન નિર્માણ બદલ શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાંથી સુરત શહેરમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા-દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે. યુવાનોએ હવે શહેરમાં મોંઘા ભાડાના ફ્લેટ રાખીને રહેવું નહીં પડે, પરંતુ અહીં ઘર જેવા સંસ્કારયુક્ત વાતાવરણમાં રહીને તેઓ પોતાના અને પરિવારના સપનાઓ સાકાર કરી શકશે એમ જણાવી ભવન નિર્માણના દાતાઓ, ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓને બિરદાવ્યા હતા.

વર્તમાન ડિજિટલ યુગના પડકારો સામે સામાજિક જાગૃતિ ખૂબ આવશ્યક હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજના સોશ્યલ મીડિયાના પ્રભાવ અને મોબાઈલના યુગમાં જો દીકરા-દીકરીઓ મોબાઈલમાં વ્યસ્ત દેખાય તો તેમને ટોકવાના બદલે ઘરના દાદા-દાદીઓએ પોતાના પૌત્ર-પૌત્રીઓનો હાથ પકડીને તેમને સોસાયટીના મેદાને કે મંદિરે લઈ જઈ સંસ્કાર સિંચનનું કાર્ય કરવું જોઈએ.

મહિલા સુરક્ષા અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યારે કોઈ દીકરીને કોઈ અસામાજિક તત્વોની ચુંગાલમાં ફસાય ત્યારે સોસાયટીઓમાં બેસીને તે દીકરી કે તેના પરિવારની નકારાત્મક ચર્ચાઓ કરવાના બદલે દીકરીને હિંમત આપી પીઠબળ પૂરું પાડવું જોઈએ. સામાન્ય રીતે સામાજિક ડરના કારણે લોકો આવી ઘટનાઓ છુપાવતા હોય છે, જેનાથી સમાજમાં ભયનો માહોલ પેદા થાય છે. આવા અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવી સીધા દોર કરવા માટે સમાજે એક થઈને પોલીસ અને સરકારને સહયોગ આપવો જોઈએ.

ભવનના પ્રવેશદ્વારે પ્રસ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા હોસ્ટેલમાં રહેતા તમામ યુવાનોને દેશ, રાજ્ય અને સમાજ માટે સમર્પિત ભાવે કામ કરવાની પ્રેરણા પૂરી પાડશે એમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના આદર્શ વિચારો અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને જીવંત રાખવા ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રૂપમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, જમનબા વિદ્યાર્થી ભવનએ સંસ્કારનું કેન્દ્ર બનશે. સરદાર સાહેબના વિચારો તથા સમાજના ઇતિહાસમાંથી સમાજના યુવાનોને પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો. શ્રી માંડવીયાએ જણાવ્યું કે, પાટીદાર સમાજ વડીલોની પ્રેરણા, ઉમદા વર્તન-વ્યવહાર અને પ્રગતિની આકાંક્ષાઓના સહારે આજે મહાજનની શ્રેણીમાં આગવું સ્થાન પામ્યો છે.

પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો, જેને આગળ વધારતા સરદાર સંતાનોએ ‘રાષ્ટ્રપ્રથમ’નો જીવનમંત્ર અપનાવ્યો છે એમ જણાવી જ્ઞાનશક્તિ અને સમાજશક્તિ સાથે જોડાવાથી સમાજના ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે, ત્યારે જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ પાટીદાર સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના મોભીઓ પરિશ્રમથી કમાયેલી મૂડીને સાચા રસ્તે ઉપયોગમાં લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે વર્ષોથી અનેકવિધ ક્ષેત્રે સેવાની સુવાસ પ્રસરાવી છે. આ અદ્યતન શિક્ષણ ભવનનું નિર્માણ થવાથી વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.

આ પ્રસંગે ઉર્જા, કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું કે, સામાજિક ઉત્થાન માટેના સરકારના પ્રયાસોમાં પાટીદાર અગ્રણીઓએ બીડું ઉપાડી યુવાનોના યુવાધનને સાચી દિશા આપવા, તેમનું ઉજ્જવળ ભાવિ ઘડવા માટેની રાહ કંડારી છે. ગામડાઓમાંથી આવતા દિકરા-દિકરીઓને શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય કરીને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્ય સમાજ ભવનનું નિર્માણ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થી ભવનના નિર્માણમાં એક ટીમ સાથે કાર્ય કરનાર કાનજીભાઈ ભાલાળા અને તેમની સમગ્ર ટીમ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નાગરિક સંરક્ષણ મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, આણંદના સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, અગ્રણી વલ્લભભાઈ સવાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયા સહિત ધારાસભ્યો, મહાનુભાવો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading