તબીબી અધિક્ષકે પીએમ રૂમ અને વિવિધ વોર્ડની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું સુરત : નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ ડો.પારુલ વડગામાએ હોસ્પિટલની વ્યવસ્થાઓને વધુ લોકઉપયોગી અને કાર્યક્ષમ બનાવવા માટે કમર કસી છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના સૂચનોને અનુસરતા જ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ તેમણે હોસ્પિટલના અતિ મહત્વના પોસ્ટમોર્ટમ રૂમ તેમજ દર્દીઓની સારવાર કરતા વિવિધ વોર્ડની પાયાની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને મળતી સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં પણ ઉણપ જણાઈ ત્યાં તાત્કાલિક અસરથી તમામ જરૂરી સુવિધાઓ પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી. ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્થિત પીએમ રૂમની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા, ટેકનિકલ સુવિધાઓ અને કાયદાકીય પ્રક્રિયા તેમજ પરિવારો માટે બેસવા તેમજ પાણી સહિતની પાયાની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈને ત્યાં દાખલ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા અને નર્સિંગ સ્ટાફ તેમજ ફરજ પરના તબીબોને ચોકસાઈપૂર્વક સેવા આપવા તાકીદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતભરમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. હોસ્પિટલ પ્રશાસન તરફથી તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે અધિક્ષકે વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. પાયાની માળખાકીય સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સ્વચ્છતાના માપદંડોમાં સહેજ પણ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આપી તેમણે તમામ ખૂટતી કડીઓ તાકીદે પૂર્ણ કરવા વહીવટી અધિકારીઓને જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, જેથી તેમને ઉત્તમ સેવા-સુશ્રુષા મળી રહે અને તેમની સાથેનું વર્તન ખૂબ જ સારું રહે તે અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ દરમિયાન તેમણે સૌથી પહેલી પ્રાથમિકતા પોસ્ટમોર્ટમ (PM) વિભાગને આપી હતી. હાલ પીએમ રૂમની નવી બિલ્ડિંગ બનતા અંદાજે નવ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગશે, ત્યાં સુધી કાર્યરત પીએમ રૂમને જ સ્ટ્રેન્ધનીંગ કરીને સંપૂર્ણ સ્વચ્છ રાખવા તથા સબઘર (મોર્ચ્યુરી) વ્યવસ્થિત રીતે જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. પીએમ વિભાગની મુલાકાત દરમિયાન ત્યાં સફાઈ વ્યવસ્થા સુધારવા, બંધ પડેલા એસી તાત્કાલિક ચાલુ કરવા અને બેક્ટેરિયા મુક્ત વાતાવરણ માટે જરૂરી કામગીરી કરવા તાકીદ કરાઈ છે. સગા-સંબંધીઓને મુશ્કેલી ન પડે તે માટે વિલંબ વગર નિયમિત અને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દુઃખના સમયે આવેલા સગાઓએ લાંબો સમય બેસી ન રહેવું પડે. આ ઉપરાંત, પીએમ રૂમની બહાર લાઈટિંગની પૂરતી વ્યવસ્થા કરવા, પીવાના પાણીની સુવિધા ઊભી કરવા અને સગાઓને બેસવા માટે યોગ્ય શેડ કે વ્યવસ્થા કરવાના આદેશો અપાયા છે. હોસ્પિટલમાં આવતા લોકો પહેલેથી જ માનસિક તણાવ કે દુઃખમાં હોય છે, જેથી તેમને એક સકારાત્મક વાતાવરણ મળી રહે તે હેતુથી આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોના કુંડા મૂકીને હરિયાળી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલ કેમ્પસમાં આડેધડ થતું પાર્કિંગ રોકવા અને દર્દીઓની સુવિધા માટે તમામ લિફ્ટ સતત ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર કોવિડ બિલ્ડિંગ ખાતે ખાસ ‘ઈબોલા વાયરસ વોર્ડ’ પણ કાર્યરત કરાયો છે, જેના મેડિસિન વિભાગના વડા અશ્વિન વસાવાની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. આગામી દિવસોમાં તમામ અધિકારીઓના પરસ્પર સહકારથી હોસ્પિટલની તમામ આંતરમાળખાકીય ખામીઓ અને સુવિધાઓની ઉણપને સત્વરે પૂરી કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ પ્રાથમિક સુવિધાઓ અને સકારાત્મક સેવા-સુશ્રુષા પૂરી પાડવાનો મુખ્ય ધ્યેય વ્યક્ત કરાયો છે. આ મુલાકાત દરમિયાન જીએમટીએ અને નર્સિંગ એસોસિએશનની ટીમે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર (AHA), ઇન્ચાર્જ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઇકબાલ કડીવાલા, ફોરેન્સિક વિભાગના વડા ડૉ. ચંદ્રેશ ટેલર, પી.આઈ.યુ. અને ઇલેક્ટ્રિક પી.આઈ.યુ.ના અધિકારીઓ, સિક્યુરિટી ઓફિસર તેમજ સેનિટરી ઇન્સ્પેક્ટર સહિત આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ પ્રજ્ઞા પટેલ સહિત વિવિધ વિભાગના વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને નવજાત શિશુઓના સંગાથે જનસેવા સાથે જન્મ દિવસ ઉજવણી કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ